IPL 2025ની 22 માર્ચથી ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે. પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ત્યારે આ મેચ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે રંગારંગ ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં દિગ્ગજ સ્ચાર્સ પરફોર્મ કરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સીઝનની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ પહેલા સ્ટેડિયમમાં શાનદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. જેમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પરફોર્મ કરશે. IPLના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે.
બોલિવૂડ સ્ટાર દિશા પટણી ઓપનિંગ સેરેમનીમાં પોતાની ચમક ફેલાવવા માટે તૈયાર છે. IPL એ પુષ્ટિ કરી છે કે ભવ્ય ઈવેન્ટ આઈકોનિક ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે. દિશા પટણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તેના કરોડો ચાહકો છે અને તે સોશિયલ મીડિયા પર સતત અપડેટ્સ આપતી રહે છે. દિશા ઉપરાંત પીઢ ગાયિકા શ્રેયા ઘોષાલ પણ પરફોર્મ કરશે. હાલમાં તે દેશની ટોચની ગાયિકા છે.
ટિકિટની માંગ વધી
આ ઓપનિંગ સેરેમની IPLની 18મી સિઝનની શરૂઆત કરશે. દિશા પટણી અને શ્રેયા ઘોષાલની હાજરી શોમાં આકર્ષણ વધારશે અને પ્રેક્ષકોને એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે. એવી આશા છે કે ICC અધ્યક્ષ જય શાહ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલીએ કહ્યું છે કે ટિકિટની વધુ માંગ સાથે આ એક માર્કી મેચ છે. ઈડન ગાર્ડન્સ લાંબા સમય બાદ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવા માટે તૈયાર છે.
