ખોટી જમીન માપણી રદ્ કરો જેવા લખાણો વાળુ ટિ-શર્ટ પહેરી જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા વિધાનસભાના સત્રમાં પહોંચતા વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમને બહાર કાઢયા હતાં.
પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં મહેસુલ વિભાગની માંગણીઓ પર જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણીના મુદે ‘ખોટી જમીન માપણી રદ કરો’ના સૂત્ર લખેલુ ટી શર્ટ પહેરીને ગૃહમાં જતા હંગામો થયો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેઓને ટી શર્ટ બદલાવીને આવો તેવી સુચના આપી હતી પરંતુ હેમંત ખવાએ વિરોધ ચાલુ રાખતા અંતે અધ્યક્ષએ સાર્જન્ટને સુચના આપી ધારાસભ્યને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.
વિધાનસભામાં પત્રકારોેને સંબોધતા હેમંત ખવાએ જણાવ્યું હતું કે, ગૃહમાં મહેસુલ વિભાગની માંગણી પર ચર્ચા થવાની હોય છેલ્લા ૧૦ વર્ષથી ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણી ના મુદે વિરોધ પ્રદર્શિત કરવા તથા આ બહેરી મૂંગી સરકારને જગાડવા ‘ખોટી જમીન માપણી રદ કરો’ના સૂત્ર લખેલુ ટી શર્ટ પહેરીને ગૃહમાં જતા અધ્યક્ષ દ્વારા ગૃહ બહાર કાઢવાના આદેશ કરવામાં આવ્યા હતા.
ભૂલ ભરેલી જમીન માપણીના કારણે આજે ખેડૂત વર્ગમાં ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર ઉભા થયા છે, કોઈની જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે તો કોઈના કબ્જા અવલ દવલ થઇ ગયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમીન માપણી રદ કરાવવા માટે મેં કરેલા આંદોલનોની વાત કરું તો જમીન માપણીમાં રહેલી ભૂલો ખેડૂતોને સમજાવવા માટે મારા વિસ્તારમાં ગામડે ગામડે જઈ પ્રોજેક્ટર દ્રારા સ્ક્રીન પર વિગતવાર ખેડૂતોને માહિતગાર કરી, ૨૫,૦૦૦ થી વધુ અરજીઓ મેં કરાવી, ૫૦૦ થી વધુ બાઈક સાથે ૧૦૦ કિલોમીટર ની બાઈક રેલી યોજી અને ત્યારબાદ અર્ધ નગ્ન હાલતમાં ડી.એલ.આર. કચેરી ખાતે આક્રમક વિરોધ નોંધાવ્યો. આવા તો અનેક આંદોલનો છેલ્લા દસ વર્ષથી સમગ્ર ગુજરાતમાં થઇ રહ્યા છે તો શા માટે સરકાર આ જમીન માપણી રદ નથી કરતી?
લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની ૪.૫ વીઘા જમીન રેકર્ડ પર ઘટી ગઈ છે. ચોટીલાના નાથાભાઈ નારણભાઈની જમીન ઘટી ગઈ છે, થરાદના કરશનભાઈ બાબુજી ખોડાની ૧૦ એકર જમીન ઘટી ગઈ છે. ધ્રોલના લીલાબેન કોળી અને ચતુરબેન કોળીની બન્નેની કુલ ૧૨ વીઘા જમીન ગાયબ થઇ ગઈ છે. આવા તો સમગ્ર ગુજરાતમાં કેટલાય લોકો છેલ્લા દસ વર્ષથી ડી.એલ.આર. કચેરીના ધક્કા ખાય છે.
જો જામનગર જીલ્લામાં પ્રમોલગેશન બાદ ક્ષતિઓ સુધારવા માટેની છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૮૩,૪૬૭ અરજીઓ ડી.એલ.આર. કચેરીએ જમા થઇ જેમાંથી માત્ર ૧૩,૫૦૦ જેટલી અરજીઓમાં ૭-૧૨ માં અસર આપવામાં આવી જયારે ગામ નકશામાં તો એક પણ અરજીમાં અસર આપવામાં આવી નથી અને જ્યાં સુધી ગામના નકશામાં અસર ના આપે ત્યાં સુધી ભૂલ સુધરી ગઈ તેવું ના કહી શકાય. વિધાનસભા ગૃહમાં હેમંત ખવા દ્વારા ખોટી જમીન માપણી સંપૂર્ણ રદ કરવા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
તસવીર: સૈયદ જેનુંલ

Author: jamnagaruday
Post Views: 201