કલેકટરે જણસી વાઈઝ ભાવ અને માર્કેટભાવ, કુલ નોંધણી, ખરીદ કેન્દ્રની યાદી, સંગ્રહ વ્યવસ્થાની જાણકારી મેળવી લગત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા
જામનગર, જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં લઘુતમ ટેકાના ભાવે ઘઉં તથા ખરીફ પાકોની ખરીદીની ડીસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. કલેકટરશ્રીએ તુવેર, મગફળી, મગ, સોયાબીન, અડદ, ચણા અને રાયડાની ખરીદ પ્રક્રિયા અને હાલ થઇ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓ સાથે જણસી વાઈઝ ભાવ અને માર્કેટ ભાવ, વાવેતર વિસ્તાર, ખરીદ કેન્દ્રની યાદી, ખરીદ પ્રક્રિયા, સંગ્રહ વ્યવસ્થા વગેરે મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરી સૂચનો આપ્યા હતા. તથા સમગ્ર પ્રક્રિયા સરળ રીતે અને ખેડૂતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે હાથ ધરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લામાં 36462 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. કુલ 3352 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જામનગર જિલ્લામાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા ખેડૂતોને તેમના પાકના પોક્ષણક્ષમ ભાવ મળી રહે તે માટે લધુતમ ટેકાના ભાવે ઘઉંની પ્રતિ કિવન્ટલ રૂપિયા 2425 ના ભાવથી ખરીદી કરવામાં આવશે. જે માટે ગત તા.1 જાન્યુઆરીથી નોંધણી પ્રક્રિયા શરુ છે. ખેડૂતો તા.16 માર્ચ સુધી નોંધણી કરાવી શકશે. તા.17 માર્ચથી તા.31 મે દરમિયાન ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક ખેડૂત પ્રતિ હેક્ટર દીઠ 3200 કિલો ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરી શકશે. જામનગર જીલ્લામાં હાલ તુવેરની ખરીદીની પ્રક્રિયા ચાલુ છે. જેમાં કુલ 9269 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અત્યાર સુધી 39321ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી છે.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આર.એસ.ગોહિલ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના નાયબ જીલ્લા મેનેજરશ્રી આર.એસ.તારપરા તથા લગત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Author: MANISH MAKWANA
Post Views: 28