દ્વારકામાં ગુજરાત લોહાણા સમાજના પ્રમુખની પત્રકારો સાથે વાતચીત
દ્વારકા: સંત શિરોમણી પૂ. જલારામ બાપા વિષે ઈતિહાસને વિકૃત રીતે રજુ કરનારા સ્વામિનારાયણ (વડતાલ) સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે વિરપુર જઇ પૂ. જલારામ બાપાના ચરણોમાં માફી માંગ્ી છે અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાએ પણ લેખિત ખુલાસો આપ્યો છે. જેના પગલે આ વિવાદનો અંત આવ્યો છે, તેમ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે કહ્યું હતું.
દ્વારકામાં સમગ્ર ઓખા મંડળ લોહાણા જ્ઞાતિની યોજાયેલી ઉભી ધામ (સમૂહ જ્ઞાતિ ભોજન) અવસરે દ્વારકા આવેલા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલે વિરપુર ખાતે ગઇકાલે બપોરે થયેલી ગતીવિધી અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સંત શિરોમણી જલારામ બાપા અને વિરપુરના સદાવ્રત અંગે સ્વામિનારાયણ (વડતાલ) સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા અનુચિત ઉચ્ચારણો સામે ભારે વિરોધ વંટોળ ઉઠ્યા પછી વિરપુરની જલારામ બાપાની ગાદી પાસે ગઇકાલે બપોરે પહોંચેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂ. બાપાની માફી માંગી છે અને સાથે જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ચેરમેન દેવસ્વામીજીએ પણ પત્ર લખી જ્ઞાનપ્રકાશના વિધાનોને અયોગ્ય ગણાવ્યા છે. આ સાથે જ આ વિવાદનો અંત આવ્યો છે.
સર્વે જલારામ ભક્તો પૂ. બાપાના વિરપુર સ્થિત જલારામ ધામ દ્વારા સ્વિકાર કરાયેલી માફીને ઘ્યાનમાં રાખી આ પ્રકરણમાં હવે કોઇ લડાઇ-વિવાદ આગળ વધારે નહીં અને જ્ઞાનપ્રકાશદાસને સયંમપૂવર્ક માફી આપીને આ વિવાદ પર પૂર્ણ વિરામ મુકે તેવો સૌને અનુરોધ કરૂં છું તેમ જીતુભાઇ લાલે અંતમાં કહ્યું હતું.

Author: MANISH MAKWANA
Post Views: 98