જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી દરેડ કુરિયર સર્વિસ નામની પેઢીમાં ગઈકાલે સાંજે જુદા જુદા ચાર પાર્સલો આવ્યા હતા. તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ આવી હોવાની કુરિયર સર્વિસના સંચાલકે એલસીબીની ટીમને જાણ કરી હતી.
આવું જ પાર્સલ ચાર મહિના પહેલા આવ્યું હોવાથી તેમાંથી દારૂ નીકળ્યો હતો. જેની શંકાના આધારે એલસીબીને જાણ કરાતાં એલસીબીની ટુકડી દરેડ વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને ત્યાં જઈને પંચોએ રૂબરૂ પાર્સલો તોડાવીને નિરીક્ષણ કરતાં અંદરથી જુદી જુદી બ્રાન્ડની કુલ 54 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
ઉપરોક્ત પાર્સલ મુંબઈથી આવ્યું હોવાનું, અને તેના ઉપર મોકલનાર વ્યક્તિના મોબાઈલ નંબર લખેલા હતા, જ્યારે જામનગરમાં એક પાર્ટીને રીસીવર તરીકે જાહેર કરાયો હતો, અને તેના મોબાઈલ નંબર પણ પાર્સલ ઉપર લખેલા હતા. જેથી એલસીબીની ટીમ દ્વારા 47 હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુદા-જુદા બે મોબાઈલ નંબરના ધારકો સામે દારૂબંધી ભંગે ગુનો દાખલ કરાવ્યો છે. જે અંગેની આગળની તપાસ પંચકોશી બી. ડિવિઝન પોલીસની ટીમ ચલાવી રહી છે.
