વય નિવૃત્તિ પામેલા ઓપરેટરએ માહિતી પરિવારના સ્ટાફ સાથેના પોતાના 38 વર્ષના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા: નિવૃત્તિ જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા માહિતી વિભાગ દ્વારા અનવર સોઢાને વિદાય અપાઇ
જામનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યએ ભરેલ હરણફાળ પ્રગતિમાં પ્રત્યેક જિલ્લા સાથે ખભેખભા મેલાવીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, પોષણ, મહિલા સશક્તિકરણ સહિત દરેક ક્ષેત્રમાં સાધેલ પ્રગતિમાં માહિતી અને પ્રસારણ વિભાગની મહત્વપૂર્ણ સહભાગીદારીતા રહી છે.
તા.28 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જીલ્લા માહિતી કચેરીના કર્મચારી અને કામગીરી વ્યવસ્થાના ભાગરૂપે જામનગર જીલ્લા માહિતી કચેરી ખાતે કામગીરી કરતા ઓપરેટર અનવર સોઢા વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહમાં જામનગર જીલ્લા માહિતી કચેરીના ઈ.ચા.નાયબ માહિતી નિયામક સોનલબેન જોશીપુરા, દેવભૂમિ દ્વારકાના સહાયક માહિતી નિયામકશ્રી પરિમલભાઈ પટેલ તથા કર્મચારીશ્રીઓએ ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
નિવૃત્તિ વેળાએ અનવર સોઢા દ્વારા માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા અને માહિતી વિભાગમાં 38 વર્ષ દરમિયાન કરેલ નોકરી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર દ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી.
