જામનગરમાં ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે, જયારે બીજી મહિલાના બે પગ કપાયા છે. આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી. હિટાચી મશીનનો ઓપરેટર ભાગી છૂટ્યો હતો. બેડી મરીન પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની હકીકત એવી છે કે, જામનગરમાં ઢીંચડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરાયું છે અને પૂજા બિલ્ડર્સ નામની પેઢી ના હિટાચી ના ચાલક કમલેશ દ્વારા આ સ્થળે ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાનું કામકાજ રાખવામાં આવ્યું છે. જે કંપનીના કામ હેઠળ સોમવારે સાંજે પાંચેક વાગ્યા ના અરસામાં હિટાચી મશીન દ્વારા ખોદાણ ચાલી રહ્યું હતું.

તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બે મહિલાઓ એકાએક હિટાચી મશીન નીચે દબાઈ હતી. જેમાં ઢીંચડા રોડ પર રહેતી અને મજૂરી કામ કરતી મધુબેન નારણભાઈ સુરડીયા નામની ૫૫ વર્ષની પ્રૌઢ મહિલા, કે જે રિવર્સમાં આવી રહેલા હીટાચી મશીન નીચે દબાઈ જવાથી તેણીનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. હિટાચી મશીનની નીચે દબાઈ જવાના કારણે તેના દેહનો છુંદો નીકળી ગયો હતો અને ભારે બીહામણાં દ્રશ્ય સર્જાયા હતા.
આ ઉપરાંત તેની સાથે જ ચાલી રહેલી અન્યા એક મહિલા આઇશાબેન ખફી, કે જેના બે પગ કપાયા હતા અને તેણીને ૧૦૮ નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેણીની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર બનાવની જાણ થતાં સૌપ્રથમ આ વિસ્તારના વિપક્ષી કોર્પોરેટર રાહુલ બોરીચા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરથી ૧૦૮ ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી, તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી ૧૦૮ ની ટીમે ઈજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડી હતી. જ્યારે ફાયરની ટીમે હિટાચી મશીનની નીચે દબાયેલા મહિલાના મૃતદેહને ભારે જહેમત લઈને બહાર કાઢી પોલીસને સુપરત કરી દીધો હતો. બેડી મરીન પોલીસ ડિવિઝનની ટીમે ઘટના સ્થળે દોડીજઇ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા, અને હીટાચી મશીનનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઉપરાંત ખાનગી કંપનીના અન્ય સ્ટાફ કે કર્મચારીઓ સ્થળ પર હાજર ‘ન’ હતા અથવા તો તેઓ પણ ભાગી છુટ્યા હતા. ત્યારબાદ, બનાવની જાણ વિરજીભાઇ દ્વારા કરવામાં આવતા બેડી મરીન પોલીસ સ્ટેશન ના એએસઆઇ એચ.કે.ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

Author: jamnagaruday
Post Views: 35