મુંબઈ : સમાપ્ત થયેલા ફેબ્રુઆરીમાં દરેક પ્રકારના મળીને વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૭ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં ૨૧ લાખની સરખામણીએ વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં કુલ ૧૭ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયાનું સરકારી ડેટા જણાવે છે. અન્ય બજારોની સરખામણીએ ભારતમાં ઓટો લોનના દર હજુપણ ઊંચા પ્રવર્તી રહ્યા છે.
ઓટો વેચાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટુ વ્હીલર્સના વેચાણમાં ૧૧.૭૦ ટકા ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ૧૪ લાખ એકમ પરથી વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં વેચાણ આંક ઘટી ૧૨ લાખ એકમ રહ્યાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.
ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સના વેચાણમાં ઘટાડાને કારણે વાહનોના એકંદર વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. વીજ સંચાલિત વાહનોના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
ઊતારૂ વાહનોનું વેચાણ ૩.૩૨ લાખ પરથી ૧૬ ટકા જેટલુ ઘટી ૨.૭૭ લાખ રહ્યું છે. પરવડી શકે તેવા વાહનો સંબંધિત ચિંતા તથા નબળી માગ વેચાણમાં ઘટાડા માટે કારણભૂત રહ્યા છે.
વર્તમાન નાણાં વર્ષની જેમ આગામી નાણાં વર્ષમાં પણ વાહનોની વેચાણ વૃદ્ધિ એક અંકમાં રહેવાની ઓટો ઉદ્યોગ ધારણાં રાખી રહ્યું છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી નબળી માગ અને ઊંચી કિંમતો ટુ વ્હીલર્સના ઘટાડા માટે કારણભૂત હોવાનું મનાય રહ્યું છે.
વીજ વાહનોની બજાર જે સ્થિર વૃદ્ધિ પામી રહી હતી તેમાં પણ ૮.૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. વીજ સંચાલિત ટુ વ્હીલર્સના વેચાણમાં ઘટ જોવા મળી છે. સરકાર દ્વારા સબ્સિડી પર કાપ મુકાતા વીજ વાહનોની કિંંમત ઊંચી જોવા મળી રહી છે.
