જામનગર જિલ્લાના લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે સાંજે લુંટની એક ઘટના બની છે, અને એક મહિલાના કાનમાંથી રૂપિયા 90,000 ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ ચલાવાઇ હોવાનો બનાવ લાલપુર પોલીસ મથકે નોંધાયો છે, અને પોલીસ ટુકડી આરોપીને શોધી રહી છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા મટુબેન મેરામણભાઇ ખવા નામના 52 વર્ષના પ્રૌઢ મહિલા કે જેઓ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે આવ્યા હતા. જે દરમિયાન આશરે 20 થી 25 વર્ષનો એક અજાણ્યો શખ્સ કે જે મટુબેનના કાનમાં પહેરેલું રૂપિયા નેવું હજારની કિંમતનું સોનાનું વેઢલું ખેંચી લઈ તેની લુંટ ચલાવીને નાસી છુટ્યો હતો.
જે આરોપી ભાગી છૂટવામાં સફળ થયો હતો, જેથી સમગ્ર મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મટુબેન મેરામણભાઇની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધ ખોળ હાથ ધરી છે. આ બનાવમાં મટુબેનને કાનમાં ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર પણ લેવી પડી છે.
