જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપતિ કે જેઓએ 30 લાખમાં ફ્લેટની ખરીદી કર્યા પછી તેઓ છેતરપિંડીનો શિકાર બન્યા છે. ફ્લેટનું વેચાણ કરનાર શખ્સે ફ્લેટ પર લોન મેળવેલી હતી, તેમ છતાં વેચાણ કરી નાખ્યું હતું અને લોન ભરપાઈ નહીં કરતાં આંખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેથી ઉશ્કેરાયેલા ફ્લેટના જુના માલિકે પોતાના સાગરીતોની મદદથી ફ્લેટ ખરીદનારના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે. જે મામલે ફરીથી પોલીસ ફરિયાદ કરાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા વેજાણંદભાઈ ઉર્ફે હરદાસભાઇ કાનાભાઈ કંડોરીયા નામના 61 વર્ષના નિવૃત્ત બુઝુર્ગ કે જેઓએ જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા હરીવલ્લભ ટાવર નંબર-1 માં 203 તથા 204 નંબરના બે ફ્લેટ 30 લાખ રૂપિયા પરબત કાનાભાઈ ગોજીયા નામના શખ્સ પાસેથી વેચાણ કરારથી ખરીદ્યા હતા, અને તેની રકમ ચૂકવી દીધી હતી.
ઉપરોક્ત ફ્લેટ આરોપીના પત્ની હકુબેન પરબતભાઈ ગોજિયાના નામથી દસ્તાવેજ કરાવેલા હતા, જે ના નવા વેચાણ કરાર ફરીયાદીના પુત્રી વર્ષાબેનના નામે કરાવી લીધા હતા, પરંતુ અગાઉના ફ્લેટ માલિક હકુબેન કે જેના નામથી બેંકમાંથી લોન મેળવાઈ હતી, તેના રૂપિયા ભરાયા ન હતા. દરમિયાન ફરિયાદી વેજાણંદભાઈને પૈસા ભરવાની બેંકની નોટિસ મળતાં પરબત કાનાભાઈ ગોજીયા નો સંપર્ક કર્યો હતો, અને લોન ભરપાઈ કરી દેવા જણાવ્યું હતું. જેમાં આરોપી પરબત ગોજિયા ઉશ્કેરાયો હતો, અને તેણે વેજાણંદભાઈને ધમકી આપી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસને અરજી કરાઈ હતી. જેમાં પરબત ગોજીયા ફરી ઉસ્કેરાયો હતો, અને પોતાના અન્ય ત્રણ સાગરીત સાથે ધસી આવ્યો હતો, અને વેજાણંદભાઈ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી દઈ હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. જેથી ઉપરોક્ત મામલો ફરીથી સિક્કા પોલીસ પથકમાં લઈ જવાયો છે, અને આરોપી પરબત ગોજીયા અને તેના સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે તમામને પોલીસ શોધી રહી છે.
