શિવરાત્રીએ છોટીકાશીના શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ……….

‘છોટી કાશી’ ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલયની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં આજે મહા શિવરાત્રીના પાવનકારી પર્વે નગરના પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા, શિવભકતો દ્વારા હર હર મહાદેવ’નો નાદ ગૂંજયો હતો.
જામનગર શહેરમાં નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. એટલે જ જામનગરને ‘છોટી કાશી’નું ઉપનામ મળેલું છે. જે નગરીમાં આજે મહાશિવરાત્રીના પર્વને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.
જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં આજે વહેલી સવારથી જ શિવ ભક્તોએ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી.
તેમજ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો. છોટીકાશીના ભીડભંજન મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયો ને ગઈકાલે સાંજથી રોશની થી સજજ બનાવી દેવાયા હતા. તેમજ દર્શનાર્થીઓની પણ અનેક શીવાલયોમાં ભીડ જોવા મળી હતી.
આ ઉપરાંત ભગવાન શિવજીના મહાપ્રસાદ ભાંગનું પણ અનેક સ્થળે વેચાણ થતું જોવા મળ્યું હતું. જામનગરના ભીડભંજન મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે આવેલા ગૌરીશંકર મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર ના દ્વારે ભાંગના પ્રસાદના અનેક સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતા, અને શિવભક્તોએ પણ મહાપ્રસાદ ભાંગ મેળવવા માટે કતાર લગાવી હતી.
જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારે કાળજી પૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર ના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ના મુખ્ય વિસ્તારમાં આવેલા શિવ મંદિર બહાર ટ્રાફિક પોલીસ ના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે. આજે સાંજે મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય અને વિશાળ શિવ શોભાયાત્રા નિકળશે.
jamnagaruday
Author: jamnagaruday

Share this post:

खबरें और भी हैं...

Live Cricket

  • HUF Registration Services In India

Horoscope

Scroll to Top