દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા ચેમ્પિયન ટ્રોફીના ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને જબરી સિકસ્ત આપી હતી અને ઝળહળતો વિજય પ્રાપ્ત કરી લીધો હતો.

વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારીને પોતાની કારકિર્દીની ૫૧ મી સદીની સાથે ભારતને વિજય અપાવ્યો હતો. જેથી સમગ્ર ભારત જશ્નમાં ડૂબી ગયું હતું. જેમાં જામનગર પણ પાછળ રહ્યું ‘ન’ હતું.
જામનગર શહેરના ક્રિકેટ પ્રેમી યુવાઓ મેચ પૂર્ણ થયા બાદ રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા. જેમાં ખાસ કરીને હવાઈચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ભવ્ય આતશબાજી કરી હતી. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર મનીષ કનખરા, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુ વ્યાસ ઉપરાંત અનેક અગ્રણીઓ તથા યુવા ક્રિકેટરો પ્રેમીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભવ્ય આતશબાજી કર્યા બાદ ડીજેના તાલે ધમાલ-મસ્તી સાથે તીરંગો ધ્વજ ફરકાવીને ભારતના વિજયને વધાવ્યો હતો. તેમજ હર હર મહાદેવ અને ભારત માતાકી જય ના નારા ગજવ્યા હતા. જામનગર શહેરના રણજીત નગર પટેલ સમાજ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ પ્રેમી લોકોએ રસ્તા પર આવી જઈ ફટાકડા ફોડીને ભારતના વિજયને વધાવ્યો હતો.
તસવીર: સૈયદ જેનુંલ

Author: jamnagaruday
Post Views: 21