જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરે વિવિધ સરકારી કામગીરીની માહિતી આપી વિદ્યાર્થીઓને દેશના આદર્શ નાગરિક બનવા માર્ગદર્શન પૂરું પાડ્યું
જામનગર તા.21 ફેબ્રુઆરી, જામનગરની સરકારી શાળા નં. 29 ના ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરે આ તમામ વિદ્યાર્થીઓનું અભિવાદન કરી તેમની સાથે સહૃદયતાથી સંવાદ સાધ્યો હતો.સાથે જ જિલ્લા વહીવટી તંત્ર તથા તેની હેઠળ આવતા વિવિધ વિભાગો તથા શાખાઓ દ્વારા કરવામાં આવતી અનેકવિધ કામગીરીઓની વિદ્યાર્થીઓને ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી.
કલેકટરશ્રીએ આ તકે વિદ્યાર્થીઓ સાથે કારકિર્દી લક્ષી ચર્ચા કરી કઈ રીતે દેશના આદર્શ નાગરિક બની શકાય તે અંગે પથદર્શન કર્યું હતું તેમજ મજબૂત લોકશાહીના નિર્માણ માટે ભવિષ્યમાં અચૂક મતદાન કરવા તેમજ પરિવારજનોને પણ મતદાન કરાવવા પ્રેરણા પુરી પાડવા જણાવ્યું હતું.સાથે જ આદર્શ નાગરિક બનવા, દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપવા અને મોબાઈલ તથા ટી.વી.નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે પણ આહ્વાન કર્યું હતું.
વિદ્યાર્થીઓએ પણ કલેકટરશ્રી સાથે ઉષ્માપૂર્ણ સંવાદ કરી વિવિધ પ્રશ્નોતરી કરી હતી જે તમામ પ્રશ્નોની કલેકટરશ્રીએ વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ સહિત આચાર્યશ્રી તથા શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.
000000
