આલેખક :- દીપક જયંતિલાલ ઠક્કર
વિક્રમ સંવત ૨૦૮૧ તિથિ અનુસાર મહા વદ ૧૦ (દશમ) ના દિવસે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૧ મી જન્મજયંતિ છે. તેઓ મુળશંકર હતા, ચૈતન્ય હતા, મહા ચૈતન્ય હતા, તે દયાનંદ હતા. તેઓ વેદરૂપી સરસ્વતીને આ ધરતી ઉપર પ્રવાહિત કરી ગયા. તેઓ યોગ સિદ્ધિઓથી સંપન્ન હતા, પરંતુ તેનાથી અલિપ્ત પણ હતા. તેઓ યોગીરાજ હતા, બ્રહ્મચારી હતા, બ્રહ્મનિષ્ઠ હતા, પરમતપસ્વી હતા, વર્ચસ્વી હતા. તેઓ પૃથ્વી પર મુળશંકર બનીને આવ્યા અને શંકરનું મૂળ શોધી અને દયાનંદ બની અને પોતાની દયા, સંસાર ઉપર કરી ગયા. પ્રાણીમાત્રના કલ્યાણ માટે વિશ્વના કલ્યાણ માટે તેઓની સાધના હતી. તે સમયે આ વિશ્વની જાતિઓમાં, આપણા ધર્મ, કર્મમાં નિસ્તેજતા, પ્રાણહીનતા અને મલિનતા ઊંડા મૂળિયાં નાખી ચુકી હતી. તે સરસ્વતી હતા. વેદ વિદ્યાના અપાર અને અથાગ સમુદ્ર હતા. કાશીના પંડિતો તેમના શાસ્ત્રાર્થને ઊંડાણથી સમજી ન શકયા.

અજ્ઞાન અને અવિદ્યાના ભયંકર, અંધકારમય સમયમાં તેમણે જ્ઞાન અને વિદ્યાનો દીપક પ્રજવલિત કર્યો અને ભારતીય સમાજને કુરૂઢિઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા અને શિક્ષણ વિહીનતાના અંધકારમાંથી દૂર કર્યો. સમગ્ર ભારત વર્ષને સ્વદેશીનો મૂળમંત્ર આપનાર મહર્ષિ દયાનંદ જ હતા. વેદ તરફ પાછા વળો નું સૂત્ર પણ આપનાર તેઓ જ હતા. બાલવિવાહ જેવા દુષણોને રોકવા માટે અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપવા માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા. ભારતને સ્વાધીનતાનો પાઠ ભણાવનાર અને વિદેશી શાસકોનું રાજય ગમે તેટલું સારું હોઈ, પરંતુ આપણા લોકો દ્વારા ચલાવતું નબળું શાસન પણ મને મંજૂર છે, તેવું કહેનાર પણ તેઓ પ્રથમ મહાપુરુષ હતા.
તેઓ સ્વામી હતા. કાશી નરેશે વિશ્વનાથ મંદિરનો વૈભવ તેમને અર્પણ કરવાની પ્રાર્થના કરી, ઉદયપુરના મહારાણાએ પણ એકલિંગજીની ગાદી તેમના ચરણોમાં અર્પિત કરી, પરંતુ તે લોભ લાલચથી તેમના માર્ગ પરથી વિચલિત થવા વાળા ન હતા. બ્રિટીશ શાસનકાળમાં પરાધીન ભારતમાં સ્વરાજયની સર્વપ્રથમ ભાવનાનો તેમણે નિર્ભય બનીને સૂત્રપાત કર્યો. તે ભયથી વિચલિત થવાવાળા ન હતા, મૃત્યુથી પણ વિચલિત થવાવાળા ન હતા. તેમણે તપસ્યાથી પોતાનું શરીર, મન અને અંત:કરણને પવિત્ર કર્યું હતું.
સમગ્ર વિશ્વના સંપ્રદાયોમાં રહેલી વેદ વિરુદ્ધ વાતોની તેમણે સમીક્ષા કરી અને સત્ય સનાતન વૈદિક ધર્મની પુનઃ સ્થાપના માટે પોતાનું જીવન અર્પણ કરી અને સત્યાર્થ પ્રકાશ જેવા અમર ગ્રંથની રચના કરી. તેમણે લગભગ પંદર હજાર જેટલાં પાનાંનું લેખનકાર્ય કર્યું. તેમણે વેદોનાં ભાષ્યોથી લઈને સામાન્ય વ્યવહારમાં ઉપયોગી થઈ શકે એવા વિષયો પર અનેક ગ્રંથો લખ્યા, જેમ કે :- • સત્યાર્થ પ્રકાશ • સંસ્કારવિધિ • ઋગ્વેદા
મનુષ્યોને વેદો આધારિત સનાતન વૈદિક ધર્મ અનુસાર શ્રેષ્ઠ મનુષ્ય બનાવતા એવા સંગઠન આર્યસમાજ કે, જે કોઈ મત – પંથ કે સંપ્રદાય નથી. તેની સ્થાપના ૧૫૦ વર્ષ પહેલા મહર્ષિ દયાનંદે કરી હતી.
