જામનગર મહાનગર પાલિકા ના વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા વોર્ડ નં.૧૨ ના નગરસેવક અસલમ કરીમભાઈ ખીલજી દ્વારા હાપા માર્કેટીંગ ચાર્ડ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ યથાવત રાખવા માંગ કરાઈ છે. જામનગર શહેરના હાપા માર્કેટીંગ પાસે આવેલ જુગનુ ગ્રાઉન્ડ કે જે હાપા ગામથી મોરકંડા સુધી અને મહાપ્રભુજી ની બેઠક થી કાલાવડ નાકા બ્રીજ સુધી આવેલ છે. તેમજ વોર્ડ નં.૧૧ તથા ૧૨ ના આશરે ૭૦,૦૦૦ જેટલી વસ્તી હોય તેમજ દરેક સમાજના યુવાઓ ક્રિકેટ તથા અન્ય રમતો તે ગ્રાઉન્ડ ખાતે રમતા હોય છે, તે એરીયામાં રમત-ગમત માટે માત્ર આ એક જ ગ્રાઉન્ડ છે. આ સંદર્ભે ક્રિકેટ પ્રેમી તથા નગરસેવક અસલમ ખીલજી દ્વારા જાળવણી પણ કરવામાં આવતી હોય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ગ્રાઉન્ડને તા.૧૮-૨-૨૦૧૯ ના બજેટ ના અંદાજ પત્રમાં રૂા.૫૦ લાખનો ખર્ચો મંજુર કરવામાં આવ્યો હતો, પાંચ વર્ષ પછી બજેટ પત્રમાં ફરીથી ગ્રાઉન્ડ માટે રૂા.૫ કરોડ નો ખર્ચો ગ્રાઉન્ડના રમત-ગમતના હેતુ માટે સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવવા પસંદ કરવામાં આવ્યો છે. જેથી તાત્કાલીક ધોરણે સ્પોર્ટ સંકુલનું કામ ચાલુ કરવા જામનગર મહાનગર પાલિકા ના મેયર વિનોદભાઈ ખીમસુરીયા ને માંગ કરતા પત્ર આપવામાં આવ્યો છે.
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર શહેરના હાપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ કે જેને જુગનુ ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રાઉન્ડ ઉપર હાપા ગામથી લઈ મોરકંડા સુધી અને મહાપ્રભુજીની બેઠક થી લઈ કાલાવડ નાકા બ્રીજ સુધી અને વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં.૧૨ ના આશરે ૭૦,૦૦૦ જેટલી વસ્તી હોય જેના દરેક સમાજના યુવાઓ ક્રિકેટ તથા અન્ય રમતો રમતા હોય.રમતગમત માટે આ એક માત્ર ગ્રાઉન્ડ હોય. આ સંદર્ભે ક્રિકેટ પ્રેમીઓ અને અમો દ્વારા તેની જાળવણી પણ કરવામાં આવતી હોય. જેથી કરી વખતો વખત અમો દ્વારા સામાન્ય સભામાં રજુઆતો પણ કરવામાં આવેલ જેની નોંધ લઈ જામનગર મહાનગર પાલિકા દ્વારા આ ગ્રાઉન્ડને તા.૧૮.૦૨.૨૦૧૯ ના બજેટ ના અંદાજપત્રમાં રૂપિયા પચાસ લાખનું ખર્ચ પણ મંજુર કરવામાં આવેલ અને જેના કામો ટેન્ડર પ્રક્રિયા સ્ટેજે છે. હવે પાંચ વર્ષ પછી તા.૧૯.૦૨.૨૦૨૪ ના બજેટ પત્રમાં ફરીથી આજ ગ્રાઉન્ડ માટે રૂપિયા પાંચ કરોડના ખર્ચે આ ગ્રાઉન્ડની રમત-ગમતના હેતુ માટે સપોર્ટ ગ્રાઉન્ડ બનાવવા પસંદગી કરવામાં આવેલ છે.
ગ્રાઉન્ડ ની પસંદગી થઇ ગયેલ હોય, બજેટમાં તેના રૂપિયા પણ ફાળવવામાં આવ્યા હોય, જેની પાંચ-પાંચ વર્ષથી ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ હોય છતાં આ ગ્રાઉન્ડ પરથી અચાનક રોડ કાઢવાનું કોર્પોરેશનને કેમ સુઝયું ? જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગરની જનતાને રમત-ગમત માટે વર્ષોથી એક પણ સાર્વજનિક ગ્રાઉન્ડ આપવામાં આવ્યું નથી અને જે છે તેને પણ નષ્ટ કરવામાં આવે છે. જેથી કરીને ક્રિકેટ પ્રેમીઓ અને રમતવીરોમાં ખુબજ રોષ અને અસંતોષ છે. હાલમાં યોજાયેલ ગુજરાત રાજ્યની કોર્પોરેશનનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જામનગર મેયર-૧૧ ફાઈનલમાં વિજયી થયેલ હતી. જેની બોર્ડમાં સન્માન કરવાની વાત કરીએ છીએ બીજી જગ્યાએ ક્રિકેટનું એકમાત્ર ગ્રાઉન્ડ હોય જેને નાબુદ કરવાની વાત કરીએ છીએ તો આ કેવું તમારું રમતગમત પ્રત્યેનું પ્રેમ ? આ રમતગમતનું સ્વીકાર છે કે બહિષ્કાર ?
જામનગર શહેરે ભારતીય ક્રિકેટ ટીમમાં વીનું માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા, રવીન્દ્ર જાડેજા જેવા પ્રતિભાશાળી રમતવીરો આપેલ હોય ભવિષ્યમાં પણ આવા ખેલાડીઓ ભારતીય ટીમને મળે તે માટે આ ટી.પી રદ કરી ત્યાં તાત્કાલિક ધોરણે સ્પોર્ટ્સ સંકુલનું કામ ચાલુ કરવામાં આવે નહિ તો ના છૂટકે ઉગ્ર અંદોલન કરવાની ફરજ પડશે તેમ જામનગર મહાનગર પાલિકા વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા વોર્ડ નં.૧૨ ના નગરસેવક અસલમ ખીલજી દ્વારા પત્રમાં જણાવ્યું છે.

Author: jamnagaruday
Post Views: 75