જામનગર નજીક ઠેબા ગામ નજીક ગત મોડી રાત્રે ૦૧:૩૦ વાગ્યે મોટી માટલી થી જામનગર તરફ આવી રહેલી એક વેન્ટો કાર બેકાબૂ બનીને પલટી મારી ગઈ હતી અને કારનું પડીકું વળી ગયું હતું. જેમાં બેઠેલા એક યુવાનનું અંતરીયાળ મૃત્યુ નીપજ્યું હતું. જયારે કાર ચાલક સહિત અન્ય ત્રણ યુવાનો ઘાયલ થયા હતા. જે ત્રણ્યે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક યુવાનની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. પંચકોષી-એ ડિવિઝન નો પોલીસ કાફ્લો દોડતો થયો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના નુરી પાર્ક વિસ્તારમાં રહેતા ચાર યુવાનો ગત મોડી રાત્રે, જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી ગામ નજીક આવેલી એક હોટલમાં નાસ્તો કરવા માટે જી.જે.૧૦.ડી.ઇ.૭૯૪૦ નંબર ની વ્હાઇટ વેન્ટો કારમાં બેસીને ગયા હતા અને ત્યાંથી નાસ્તો કરીને આશરે દોઢેક વાગ્યે જામનગર પરત ફરી રહ્યા હતા. જે દરમ્યાન કારના ચાલકે સ્ટીયરીંગ ઉપર થી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો અને કાર ગુલાંટ મારીને પડીકું વળી ગઈ હતી.
જે ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા જામનગર શહેરના નુરી પાર્ક વિસ્તારમાં રહેતા અયાન રફીકભાઇ ખફી નામના ૧૮ વર્ષના યુવાનનું ગંભીર ઈજા થઈ હોવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જેથી ભારે માતમ છવાયો હતો.
આ ઉપરાંત કારમાં બેઠેલા આઇમાન ઝામી (આરબ) નામના યુવાનને પણ ગંભીર ઇજા થઈ હોવાથી તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
આ વ્હાઇટ વેન્ટો કારમાં બેઠેલા હમદ ઝામી તથા કારના ચાલક ફૈઝલ યફાઇને પણ ઇજા થઇ હતી. જે બન્ને યુવાનોને પણ ગામના સ્થાનિક રહેવાસીઓ દ્વારા સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને બંનેને પણ ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર અપાઈ રહી છે. આ બનાવની જાણ થતાં આરબ સમાજના અગ્રણીઓ તેમજ કાલાવડ નાકા બહાર રહેતા કેટલાક યુવાનો સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ત્યારે ભારે ગમગીની છવાઈ હતી.
જામનગર પંચકોષી-એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને જાણ થતાં પોલીસની ટીમ બનાવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.
